Home » Gujarati Stories » ડો. એ.પી.જે. અબ્દુલ કલામ

ડો. એ.પી.જે. અબ્દુલ કલામ

તા.27-7-2015 નો દિવસ હતો. ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ ડો. એ.પી.જે. અબ્દુલ કલામ આઇઆઇએમ સિલોંગના વિદ્યાર્થીઓને પ્રવચન આપવા માટે દિલ્હીથી વિમાન મારફત ગવહાટી પહોંચ્યા અને ત્યાંથી મોટર માર્ગે સિલોંગ જઇ રહ્યા હતા. લગભગ 6 થી 7 મોટરકારનો કાફલો સિલોંગ તરફ આગળ વધી રહ્યો હતો.
ડો. કલામ બીજા નંબરની કારમાં સૃજનપાલની સાથે બેઠા હતા. એમની કારની આગળ એક ખુલ્લી જીપ્સી હતી જેમા કેટલાક જવાનો હથીયાર સાથે બેઠા હતા. એક જવાન હાથમાં હથીયાર લઇને આ ખુલ્લી જીપ્સીમાં ઉભો હતો.
ડો.કલામનું ધ્યાન વારે વારે એ જવાન પર જતુ હતુ. એમણે પોતાની સાથે બેઠેલા સૃજનપાલને પુછ્યુ, ” બાકીના જવાન બેઠા છે પણ આ કેમ ઉભો છે ?”
સૃજનપાલે સ્પષ્ટતા કરતા કહ્યુ, ” સર, ઉભા રહેવુ એ એની ફરજનો એક ભાગ છે. એ ઉભો રહે તો આપની સુરક્ષા જાળવવાનું કામ વધુ સારી રીતે કરી શકે. ” કલામે તુરંત જ કહ્યુ, ” પણ એ એક કલાક કરતા વધુ સમયથી ઉભો છે. આમ સતત ઉભા રહેવાથી તો થાકી જવાય અને આ તો એના માટે સજા જ ગણાય. તમે વાયરલેસ સંદેશો એમના સુધી પહોંચાડો કે એ બેસી જાય.”
સૃજનપાલે જવાન સુધી સંદેશો પહોંચાડવાના પ્રયાસ કર્યા પણ એના સુધી વાત ન પહોંચી. લગભગ અઢી કલાકની મુસાફરી બાદ કાફલો સીલોંગ પહોંચ્યો. આ સમય દરમ્યાન ડો. કલામે 3 થી 4 વખત સૃજનપાલને પેલા જવાનને નીચે બેસાડવા માટે કહ્યુ હતુ. કારમાંથી નીચે ઉતરતા પહેલા એમણે સુજનપાલને કહ્યુ, ” મારે એ જવાનને મળવુ છે તું એને મારી પાસે લઇ આવજે.”
પેલા જવાનને લઇને સૃજનપાલ ડો. કલામ પાસે આવ્યા એટલે ડો. કલામે જવાનને કહ્યુ, ” ભાઇ તું સતત ઉભો હતો આથી તને થાક લાગ્યો હશે, તને ભુખ પણ લાગી હશે, તારા માટે ભોજન કે નાસ્તાની વ્યવસ્થા કરાવુ. મારા કારણે તારે ઉભા રહેવુ પડ્યુ મને માફ કરજે. ” આખો દેશ જેને પ્રેમ કરતો હોય એવા મહામાનવને માફી માંગતા જોઇને જવાનની આંખો ભીની થઇ ગઇ એણે એટલુ જ કહ્યુ, “સર, આપના જેવા મહાપુરુષ માટે તો હું 6 કલાક પણ ઉભો રહી શકુ.”
સત્તાના સર્વોચ્ચ સિંહાસને પહોંચ્યા પછી પણ એક સામાન્ય માણસની કાળજી લેવાની અદભૂત આવડત ડો. કલામે હસ્તગત કરી હતી. એમનું મસ્તક આકાશને આંબતું હતુ પરંતું પગ ધરતી પર હતા


Leave a comment

Powered By Indic IME