Home » Gujarati Stories » સેવાભાવી માણસ

સેવાભાવી માણસ

વડોદરા જીએનએફસીની બહાર કેટલાક મુસાફરો વડોદરા શહેરમાં જવા માટે બસની રાહ જોઇને ઉભા હતા. એક રીક્ષાવાળા ભાઇ પોતાનો ઓટોરીક્ષા લઇને આવ્યા અને જ્યાં આ અજાણ્યા મુસાફરો ઉભા હતા ત્યાં રીક્ષા ઉભી રાખીને કોઇએ ઇલોરા પાર્ક તરફ આવવાનું છે કે કેમ તે બાબતે પુછ્યુ.

રીક્ષા ચલાવનારા ભાઇ અપંગ હતા આથી ઉભેલા મુસાફરોને એમના પર દયા આવી અને આ અપંગને કંઇક મદદ કરીએ એવી ભાવના સાથે ઇલોરા પાર્ક તરફ જનારા મુસાફરો રીક્ષામાં બેસી ગયા. મુસાફરોને મુસાફરીની મજા આવી કારણકે આ સામાન્ય રીક્ષા કરતા જુદા પ્રકારની રીક્ષા હતી. એકદમ ચોખ્ખી ચણાક અને સરસ મજાના ગીતો પણ વાગી રહ્યા હતા.

રીક્ષામાં બેઠેલા એક મુસાફરે રીક્ષા ડ્રાઇવરને સુચના આપતા કહ્યુ, ” કાકા, પેલા વળાંક પાસે રીક્ષા ઉભી રાખજો.” ડ્રાઇવરે એમને સ્મિત આપ્યુ અને રીક્ષા મુસાફરે કહ્યુ હતુ ત્યાં ઉભી રાખી. મુસાફરે નીચે ઉતરીને પાકીટ કાઢયુ અને પુછ્યુ, ” કાકા, કેટલા રૂપિયા આપવાના છે ? ” રીક્ષાવાળા ભાઇએ બે હાથ જોડીને કહ્યુ, ” બસ, આપના આશીર્વાદ આપજો.” આટલુ કહીને રીક્ષા હાંકી મુકી.

રીક્ષામાં બેઠેલા બીજા મુસાફરોને આશ્વર્ય થયુ કે ડ્રાઇવરે ભાડાના પૈસા કેમ ન લીધા ? એક મુસાફરે આ બાબતે ડ્રાઇવરને પુછ્યુ એટલે ડ્રાઇવરે સ્પષ્ટતા કરતા કહ્યુ , ” ભાઇ, મારે ભાડાના પૈસાની જરૂર જ નથી. હું જીએનએફસીમાં ક્લાસ-1 અધિકારી તરીકે ફરજ બજાવું છું. મારે મારી અપંગતાને પડકારવી હતી આથી કોઇની મદદ લીધા વીના જ રોજ ઓફીસ આવન-જાવન કરવા મારે એક વાહન લેવાનું હતું તો મેં વિચાર્યુ કે ઓટો રીક્ષા જ લઇ લઉં અને આવતી-જતી વખતે લોકોને બેસાડું તો મારાથી એટલી સેવા થાય અને લોકોનો પ્રેમ પણ મળે.” દરીયાદીલ આ માણસની વાત સાંભળીને રીક્ષામાં બેઠેલા બધા મુસાફરો અવાચક થઇ ગયા એ જેમને સામાન્ય રીક્ષા ડ્રાઇવર સમજતા હતા એ તો એક સરકારી કંપનીના ક્લાસ-1 ઓફીસર હતા.

આ સેવાભાવી માણસનું નામ છે ઉદયભાઇ ભટ્ટ…


Leave a comment

Powered By Indic IME