Home » Gujarati Stories » કામ કરવાનું એક નવુ બળ

કામ કરવાનું એક નવુ બળ

શીલા ઘોષ એટલે નિરાશ અને હતાશ થઇને જીંદગીની જંગ હારી ચુકેલા અને અનેક લોકો માટે પ્રેરણાનો મહાસાગર. એમની ઉંમર 85 વર્ષની છે અને પરિવારમાં બીજુ કોઇ જ નથી. થોડા વર્ષો પહેલા એમનો એકનો એક દિકરો કેન્સરની બીમારીને કારણે મૃત્યુ પામ્યો અને શીલાજી આ ઉંમરે નોંધારા થઇ ગયા.

જીવનનિર્વાહ માટે કોઇ મિલ્કત પણ નહોતી કારણકે દિકરાની બીમારીની સારવારમાં જ મિલ્કત પણ જતી રહી અને બચત પણ વપરાઇ ગઇ. દિકરાની વિદાય બાદ અસ્તિત્વ ટકાવવુ ખુબ મુશ્કેલ હતુ. જીંદગી સામેની આ લડાઇમાં હથીયારો હેઠા મુકવાને બદલે એમણે આ ઉંમરે જીંદગી સામેનો જંગ ચાલુ કર્યો.

પશ્વિમ બંગાળના પાલીમાં રહેતા આ માજીએ કોઇ પાસે મદદ માંગવાને બદલે પોતાના પગ પર જ ઉભા રહેવાનો નિર્ણય કર્યો. ફ્રાઇમ્સ બનાવવામાં એની માસ્ટરી હતી. બાળકોને ભાવતી આ વિવિધ ફ્રાઇમ્સના વેચાણ દ્વારા જ આવક ઉભી કરીને એ આવકમાંથી જીવનનિર્વાહ કરવાનુ અને ભવિષ્ય માટે થોડી બચત કરવાનું એમણે નક્કી કર્યુ.

રોજ સવારે વહેલા ઉઠીને ફાઇમ્સ તૈયાર કરે પછી એનો થેલો ભરીને પોતાના ગામથી 140 માઇલનું અંતર કાપીને કોલકતા આવે હસતા હસતા ફ્રાઇમ્સ વેંચવાનું કામ કરે છે. બધાના પ્રિય આ દાદીની ફાઇમ્સ ફટાફટ વેંચાઇ જાય અને દાદી બીજા દિવસની તૈયારી માટે કાચો માલ ખરીદીને રવાના થાય. આ કામ કરીને શીલા ઘોષ રોજના 400 રૂપિયા કમાય છે ! અને એનો એને ખુબ આનંદ છે.

85 વર્ષની ઉંમરના આ માજીને ફ્રાઇમ્સ બનાવતી વખતે નથી હાથ દુખતા , તળતી વખતે નથી આંખો બળતી કે મુસાફરીમાં નથી થાક લાગતો. આપણી સરખામણી આ માજી સાથે કરી જોઇએ તો કામ કરવાનું એક નવુ બળ મળશે.


Leave a comment

Powered By Indic IME