Home » Gujarati Stories » આંખમાં આંસુ?

આંખમાં આંસુ?

શહેરની એક શાળામાં શિક્ષિકાની જોબ કરતી કુમુદિની સાંજનું ડીનર પતાવી એના ઘરમાં ફેમીલી રૂમના એક ટેબલ પર એના વર્ગના વિદ્યાર્થીઓના હોમ વર્કની નોટો તપાસવા બેસી ગઈ.કુમુદિનીનો પતિ રાકેશ સોફામાં બેસી એના સ્માર્ટ ફોનમાં ધ્યાન કેન્દ્રિત કરીને એની ગમતી ગેમ રમવામાં પરોવાઈ ગયો.

છેલ્લી નોટ બુક વાંચ્યા પછી એકાએક કુમુદિનીની આંખો આંસુઓથી ભરાઈ ગઈ.એક પણ શબ્દ બોલ્યા સિવાય એ મુંગા મુંગા રડવા લાગી.

પતિ રાકેશએ પત્નીને રડતી જોઈ પૂછ્યું :”કુમુ હની શું થયું? કેમ રડે છે ?”

કુમુદિની:”ગઈ કાલે મેં મારા પહેલા ધોરણના વિદ્યાર્થીઓને “તમારે શું બનવાની ઇચ્છા છે? “એ વિષય પર નોટમાં થોડાં વાક્યો લખવાનું ગૃહ કામ આપ્યું હતું.

રાકેશએ ફરી પૂછ્યું :”ઓ.કે.પણ એ તો કહે કે તું રડે છે કેમ ?”

કુમુદિની:”આજે મેં જે છેલ્લી નોટ બુક તપાસી એમાંનું લખાણ મારા હૃદયને સ્પર્શી ગયું .એ વાંચીને મારાથી રડી પડાયું.”

રાકેશએ આશ્ચર્ય સાથે કુમુદીનીને પૂછ્યું :”એ વિદ્યાર્થીએ એની નોટમાં એવું તો શું લખ્યું છે કે તું આમ રડવા બેસી ગઈ છે ?”

જવાબમાં કુમુદિનીએ કહ્યું:

” તો સાંભળ,આ વિદ્યાર્થીએ ” મારી ઇચ્છા “એ શીર્ષક નીચે નોટમાં આમ લખ્યું છે.

“મારી ઇચ્છા એક સ્માર્ટ ફોન બનવાની છે.

મારી મમ્મી અને મારા ડેડીને સ્માર્ટ ફોન બહુ જ ગમે છે.એને હંમેશા હાથમાં ને હાથમાં જ રાખે છે.તેઓ એમના સ્માર્ટ ફોનની એટલી બધી કેર રાખે છે કે ઘણીવાર તેઓ મારી કેર રાખવાનું ભૂલી જાય છે.

જ્યારે મારા ડેડી આખો દિવસ ઓફિસમાં કામ કર્યા પછી સાંજે થાકીને ઘેર આવે છે ત્યારે એમના સ્માર્ટ ફોન માટે એમને સમય હોય છે પણ મારા મારા માટે કે મારા અભ્યાસ વિષે પૂછવાનો એમને સમય નથી મળતો.

મારા ડેડી અને મમ્મી ઘરમાં કોઈ અગત્યનું કામ કરતા હોય અને એમના સ્માર્ટ ફોન ઉપર કોઈના ફોનની રીંગ વાગે કે તરત જ બધું કામ એક બાજુ મૂકીને પહેલી રિંગે જ દોડીને સ્માર્ટ ફોન ઉપાડી વાતો કરવા માંડે છે.કોઈ દિવસ હું રડતો હોઉં તો પણ મારા તરફ ધ્યાન આપતા નથી કે મારી દરકાર કરતા નથી.

તેઓને એમના સ્માર્ટ ફોનમાં ગેમ રમવા માટે સમય છે પણ મારી સાથે રમવાનો સમય નથી.તેઓ જ્યારે કોઈ વખત એમના સ્માર્ટ ફોનમાં કોઈની સાથે વાત કરતા હોય ત્યારે હું કોઈ બહુ જ અગત્યની વાત એમને કહેતો હોઉં તો એના પર ધ્યાન આપતા નથી અને કોઈ વાર મારા પર ગુસ્સે પણ થઇ જાય છે.

એટલા માટે જ મારી મહેચ્છા એક સેલ ફોન બનવાની છે.ભગવાન મને સેલફોન બનાવે તો કેવું સારું કે જેથી હું મારાં મમ્મી અને ડેડીની પાસેને પાસે જ રહું !”

કુમુદિની નોટમાંથી આ વાંચતી હતી એને રાકેશ એક ધ્યાનથી સાંભળી રહ્યો હતો.આ વિદ્યાર્થીનું લખાણ એના હૃદયને સ્પર્શી ગયું.

ભાવાવેશમાં આવીને એણે કુમુદિનીને પૂછ્યું:“હની,આ છેલ્લી નોટબુકમાં લખનાર વિદ્યાર્થી કોણ છે?એનું નામ શું ?”

આંખમાં આંસુ સાથે કુમુદીનીએ જવાબ આપ્યો :

“આપણો પુત્ર યશ !”


Leave a comment

Powered By Indic IME