Home » Gujarati Stories » માતા-પિતાનું ઋણ કેમ કરી ઊતરશે ?

માતા-પિતાનું ઋણ કેમ કરી ઊતરશે ?

એક નાનો બાળક હતો. બાળકને કેરીનું ઝાડ (આંબો) બહુ ગમતો. જ્યારે નવરો પડે કે તુરંત આંબા પાસે પહોંચી જાય. આંબા પર ચડે, કેરી ખાય અને રમીને થાકે એટલે આંબાના વૃક્ષની ઘટાદાર છાયામાં સૂઈ જાય. બાળક અને આ વૃક્ષ વચ્ચે એક અનોખો સંબંધ હતો.
બાળક જેમ જેમ મોટો થવા લાગ્યો તેમ તેમ એણે આંબા પાસે આવવાનું ઓછું કરી દીધું. અમુક સમય પછી તો સાવ આવતો જ બંધ થઈ ગયો. આંબો એકલો એકલો બાળકને યાદ કરીને રડ્યા કરે. એક દિવસ અચાનક એને પેલા બાળકને પોતાના તરફ આવતો જોયો. આંબો તો ખુશ થઈ ગયો.

બાળક જેવો નજીક આવ્યો એટલે આંબાએ કહ્યું, “તું ક્યાં ચાલ્યો ગયો હતો ? હું રોજ તને યાદ કરતો હતો. ચાલ હવે આપણે બંને રમીએ.” બાળક હવે મોટો થઈ ગયો હતો. એણે આંબાને કહ્યું, “હવે મારી રમવાની ઉંમર નથી. મારે ભણવાનું છે પણ મારી પાસે ફી ભરવાના પૈસા નથી.” આંબાએ કહ્યું “તું મારી કેરીઓ લઈ જા. એ બજારમાં વેચીશ એટલે તને ઘણા પૈસા મળશે. એમાંથી તું તારી ફી ભરી આપજે.” બાળકે આંબા પરની બધી જ કેરીઓ ઉતારી લીધી અને ચાલતો થયો.
ફરીથી એ ત્યાં ડોકાયો જ નહીં. આંબો તો એની રોજ રાહ જોતો, એક દિવસ અચાનક એ આવ્યો અને કહ્યું, “હવે તો મારા લગ્ન થઈ ગયા છે. મને નોકરી મળી છે એનાથી ઘર ચાલે છે પણ મારે મારું પોતાનું ઘર બનાવવું છે એ માટે મારી પાસે પૈસા નથી.” આંબાએ કહ્યું, “ચિંતા ન કર. મારી બધી ડાળીઓ કાપીને લઈ જા. એમાંથી તારું ઘર બનાવ.” યુવાને આંબાની ડાળીઓ કાપી અને ચાલતો થયો.

આંબો હવે તો સાવ ઠૂંઠો થઈ ગયો હતો. કોઈ એની સામે પણ ન જુવે. આંબાએ પણ હવે પેલો બાળક પોતાની પાસે આવશે એવી આશા છોડી દીધી હતી. એક દિવસ એક વૃદ્ધ ત્યાં આવ્યો. તેણે આંબાને કહ્યું, “તમે મને નહીં ઓળખો પણ હું એ જ બાળક છું જે વારંવાર તમારી પાસે આવતો અને તમે મદદ કરતા.” આંબાએ દુઃખ સાથે કહ્યું, “પણ બેટા હવે મારી પાસે એવું કંઈ નથી જે હું તને આપી શકું.”
વૃદ્ધે આંખમાં આંસુ સાથે કહ્યું, “આજે કંઈ લેવા નથી આવ્યો. આજે તો મારે તમારી સાથે રમવું છે. તમારા ખોળામાં માથું મૂકીને સૂઈ જવું છે.” આટલું કહીને એ રડતાં રડતાં આંબાને ભેટી પડ્યો અને આંબાની સુકાયેલી ડાળોમાં પણ નવા અંકુર ફૂટ્યા.

વૃક્ષ એ આપણાં માતા-પિતા જેવું છે જ્યારે નાના હતા ત્યારે એમની સાથે રમવું ખૂબ ગમતું. જેમ જેમ મોટા થતા ગયા તેમ તેમ એમનાથી દૂર થતા ગયા નજીક ત્યારે જ આવ્યા જ્યારે કોઈ જરૂરિયાત ઊભી થઈ કે કોઈ સમસ્યા આવી. આજે પણ એ ઠૂંઠા વૃક્ષની જેમ રાહ જુવે છે. આપણે જઈને એને ભેટીએ ને એને ઘડપણમાં ફરીથી કૂંપણો ફૂટે…


Leave a comment

Powered By Indic IME